બાઇબલ · Indian Revised Version (Gujarati) 2019

ગીતશાસ્ત્ર 132

1 હે યહોવાહ, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા તે તેના લાભમાં સંભારો.

2 તેણે યહોવાહની આગળ કેવા સમ ખાધા, યાકૂબના સમર્થ ઈશ્વરની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા લીધી, તેનું સ્મરણ કરો.

3 તેણે કહ્યું, “જ્યાં સુધી હું યહોવાહને માટે ઘર ન મેળવું; અને યાકૂબના સમર્થ ઈશ્વરને માટે નિવાસસ્થાન તૈયાર ન કરું,

4 ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું અને મારા પલંગ પર નહિ સૂઉં.

5 વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં.”

6 જુઓ, અમે તેના વિષે એફ્રાથાહમાં સાંભળ્યું; અમને તે યેરામના ખેતરોમાં મળ્યો.

7 ચાલો આપણે ઈશ્વરના મુલાકાતમંડપમાં જઈએ; આપણે તેમના પાયાસનની આગળ તેમની સ્તુતિ કરીએ.

8 હે યહોવાહ, તમે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો.

9 તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ; તમારા વિશ્વાસુઓ હર્ષનાદ કરો.

10 તમારા સેવક દાઉદની ખાતર તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર ન કરો.

11 યહોવાહે દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી; “હું તારા રાજ્યાસન પર તારા વંશજોને બેસાડીશ; તેથી તે પ્રતિજ્ઞાભંગ કરશે નહિ.

12 જો તારા પુત્રો મારો કરાર અને જે નિયમો હું તેઓને શીખવું, તે પાળે; તો તેઓના સંતાનો પણ તારા રાજ્યાસને સદાકાળ બેસશે.”

13 હે યહોવાહ, તમે સિયોનને પસંદ કર્યું છે; તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છ્યું છે.

14 આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; હું અહીં જ રહીશ, કેમ કે મેં તેને ઇચ્છ્યું છે.

15 હું ચોક્કસ તેની સમૃદ્ધિને આશીર્વાદ આપીશ; હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ.

16 હું તેના યાજકોને ઉદ્ધારનો પોષાક પહેરાવીશ; તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે.

17 ત્યાં હું દાઉદને માટે શિંગ ઊભુ કરીશ; ત્યાં મેં મારા અભિષિક્તને માટે દીવો તૈયાર કર્યો છે.

18 તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઈશ, પણ તેનો મુગટ પ્રકાશશે.

Indian Revised Version (Gujarati) 2019 — © 2019 Bridge Connectivity Solutions — CC BY-SA 4.0