બાઇબલ · Indian Revised Version (Gujarati) 2019

ગીતશાસ્ત્ર 57

1 હે ઈશ્વર, મારા પર દયા કરો, મારા પર દયા કરો, કેમ કે મારો આત્મા તમારા પર ભરોસો રાખે છે જ્યાં સુધી આ વિપત્તિઓ થઈ રહે.

2 હું પરાત્પર ઈશ્વરને પ્રાર્થના કરીશ, ઈશ્વર જે મારું પૂરું કરનાર છે, તેમની હું પ્રાર્થના કરીશ.

3 જ્યારે માણસ મને ગળી જવા ચાહે છે, તે મારી નિંદા કરે છે, ત્યારે ઈશ્વર આકાશમાંથી સહાય મોકલીને મને બચાવશે; સેલાહ તે પોતાનાં કરારનું વિશ્વાસુપણું અને તેની સત્યતા ને મારા પર મોકલશે.

4 મારો આત્મા સિંહોની મધ્યે છે; અગ્નિથી સળગેલા સાથે મારે સૂઈ રહેવું પડે છે, માણસોના દીકરાઓ, જેઓના દાંત ભાલા તથા બાણ જેવા છે અને તેઓની જીભ તીક્ષ્ણ તલવાર જેવી છે.

5 હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ; તમારો મહિમા આખી પૃથ્વી કરતાં મોટો થાઓ.

6 તેઓએ મારા પગને સારુ જાળ બિછાવી છે; મારો આત્મા નમી ગયો છે; તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, પણ તેઓ પોતે જ તેમાં પડી ગયા છે. સેલાહ

7 હે ઈશ્વર, મારું હૃદય સ્થિર છે, મારું હૃદય સ્થિર છે; હું ગાયન કરીશ, હા, હું સ્તોત્રો ગાઈશ.

8 હે મારા આત્મા; મારી વીણા અને તંબુરા; તમે જાગો; હું તો પ્રભાતમાં વહેલો ઊઠીશ.

9 હે પ્રભુ, હું લોકોમાં તમારી આભારસ્તુતિ કરીશ; વિદેશીઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.

10 કેમ કે તમારી કૃપા સ્વર્ગ કરતાં મોટી છે અને તમારી સત્યતા આકાશમાં પહોંચે છે.

11 હે ઈશ્વર, તમે સ્વર્ગ કરતાં ઊંચા મનાઓ; આખી પૃથ્વી કરતાં તમારો મહિમા મોટો થાઓ.

Indian Revised Version (Gujarati) 2019 — © 2019 Bridge Connectivity Solutions — CC BY-SA 4.0